About Temple
Welcome To Shree Bhathiji Maharaj Mandir Trust
About Temple & History
About Fagvel
ગુજરાતમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં આવેલુ ફાગવેલ ગામ ગુજરાત તેમજ આખા દેશમાં જાણીતું થયેલુ છે.૩૫૦ વર્ષ અગાઉ ફાગણ માસમાં સૈનત નદિના કિનારે જે ગામનો થયો તે ગામનું નામ ફાગવેલ પડયું નાનકડા સ્ટેટ જેવા આ ગામનો વહિવટ ક્ષત્રીયવિર રાઠોડ તખતસિંહજી માનસિંહજી કરતા હતા.આ ગામની પ્રજા સુખચેનથી રહેતી હતી.અને ગામની ગરીમાની રોજલાલી અને આબાદી ઘણીજ હતી.તેઓ ધર્મપ્રેમી રાજવી હતા.તેમના લગ્ન ચિખલોડ ગામના રાજવી પરિવારના અક્ક્લબા નામની ક્ષત્રિયાણી સાથે થયા હતા.તખતસિંહને એકજ પુત્ર હાથીજી હતા.
તેઓ એક વખત ડાકોર રણછોડરાય મહારાજ અને પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાએ ગયેલા.કહેવાય છે કે માતાજીએ તેમને દિવ્ય પુત્રનુ વરદાન આપેલું.
યાત્રા એથી પરત ફર્યા બાદ નવમાસ પછી.અક્ક્લબની કુખે એક દેવપુરુષનો જન્મ થયો.તેમનું નામ ભાથીજી પાડવામાં આવ્યું.જન્મથીજ તેઓ તેજસ્વી દેવ હોવાનો સૌને એસાસ થતો હતો.જેમ જેમ સમય ગયો તેમ તેઓ મોટા થયા.ગામના ગોવાળો સાથે તેઓ ગાયો ચરાવવા જતા હતા.ત્યાં એક રાફડામાંથી ફણીધર નાગ નીકળ્યો તેને જોઈને ગોવાળો ડરી ગયા.પણ ભાથીજીને તેના ઉપર અપાર સ્નેહ થયો.અને તેના માટે રોજ દૂધ પણ તેઓ લાવતા હતા.આ રીતે તેઓ નાગની પણ સેવા કરતા હતા.ભાથીજીને ઘોડેસવારનો ઘણોજ સોખ હતો.તેઓ ઘોડેસવાર થઇ જંગલમાં ફરવા જતા હતા.ફાગવેલ ગામના સિમાડે મલેચ્છ લોકોનો ત્રાસ હતો.તેઓ લુંટ ફાટ કરતા પશુધન લઇ જતા.અને બહેન દિકરીઓને હેરાન કરી ત્રાસ આપતા અને મદારી લોકો નાગ પકડી જતા હતા.એક વખત મલેચ્છ મદારી લોકો નાગને પકડવા આવ્યા.તો નાનકડા ભાથીજીએ તેમને માર માર્યો અને ભગાડી મુક્યા.ત્યારથી મલેચ્છ લોકોને આંખના કાંટાની જેમ કુચતા હતા. ભાથીજી મોટા થતાં તેમની સગાઇ કપડવંજ
*તખતસંગ-અક્કલબા પર મહાકાલિની કૃપા*
પાટણના જયમલ રાઠોડ અને યશરાજ રાઠોડના વંશજ ખાખરિયા ભૂમિમાં આવેલા કપડવંજ અને આંતરસુબા પાસેના ફાગવેલ ગામમાં ગિરાસદાર ઠાકોર તખતસંગ રાઠોડ તથા એમનાં ધર્મપત્ની અક્કલબા નામે હતાં.તે શ્રી રણછોડરાયના આસ્તિક હતાં,અને દર પૂનમે પગપાળા ચાલીને ડાકોર ભગવાનનાં દર્શને આવતાં હતાં. ચૈત્રી પૂર્ણિમા અને નવરાત્રીમાં આઠમના દિવસે કુળદેવી મહાકાળીને પલ્લી અને નૈવેદ્ય ધરવા પાવાગઢ જતા હતાં. એમને બે પુત્રીઓ હતી.એકનું નામ સોનબા,બીજીનું નામ બાનજીબા.સોનબાને પાટણ અને બાનજીબાને કપડવંજમાં પરણાવેલ હતાં. અક્કલબા અને તખતસંગ પ્રભુભક્તિમાં નિમાધારી અને ટેકીલાં હોવાથી જયારે ડાકોરમાં આવે ત્યારે શ્રી ડંકનાથ મહાદેવની પૂજા-આરતી કરી બીલીપત્ર,પુષ્પો ચઢાવી યાચના કરતા કે "હે ડંકેશ્વર ભગવાન,અમોને પુત્રની ઈચ્છા છે તે પૂર્ણ કરજો ભોળાનાથ." ભક્ત દંપતીની આસ્તા ફળી અને અક્કલબાને પુત્ર જન્મ્યો.એનું નામ હાથીજી રાખવામાં આવ્યું.હાથીજી બાળપણથી શંકરની પૂજા કરતા અને શિવભક્ત થયા.માતાપિતા સાથે દર પૂનમે ડાકોર આવે ત્યારે ડંકનાથ મહાદેવનાં દર્શન કરવામાં તલ્લીન થઇ જતા. નવરાત્રીના પવિત્ર દિવસોમાં પોતાના નિયમ પ્રમાણે તખતસંગ અને અક્કલબા કુળદેવી મહાકાળીની પલ્લી ભરવા,નૈવેદ્ય,પૂજાવિધિ કરવા આસો સુદ એકમના દિવસે ફાગવેલથી પાવાગઢ આવ્યાં. પાવાગઢની તળેટીમાં અને ડુંગર પર માતાજીના દર્શનાભિલાષી ભક્તોની ભારે ઠઠ જામવા લાગી.દૂર દૂરના યાત્રાળુઓનો મેળો ભરાયો.રાત-દિવસ રાસ-ગરબાની રમઝટ બોલાવતાં નર-નારીઓ ઉમંગભેર નવરાત્રી મહોત્સવ ઉજવી ભક્તિભાવ દાખવતાં ઠેર ઠેર રાસ,ગરબા,ભવાઈ,માંડવા અને કીર્તનના ઓચ્છવથી આનંદ છવાયો હતો. ભક્તવત્સલ ભગવતી કાળભક્ષની દેવી મહાકાળીની પલ્લી ભરવાને અને આસો સુદ આઠમનો નૈવેદ્ય કરવા માટે તખતસંગ અને અક્કલબા માતાજીના દ્વારે સમી સાંજથી જ આવી બેઠાં હતાં. માતાજીની પલ્લી,ચૂંદડી,સોના-ચાંદીનાં છત્ર,દ્રવ્ય,ફળ,ફૂલ,ધૂપ,દૂધ,વગેરે માતાજીને ધરાવ્યાં.ફોફળ,શ્રીફળ,કમળ-કાકડી,કેસર,કસ્તૂરી,અંબરનો થાળ ધરાવી અક્ષત કુમકુમથી વધાવ્યાં આરતી સમયે દર્શનાતુર ભક્તોની ભીડ વધી.ઘંટનાદ થવા લાગ્યા.ઝાલર,શંખ,ત્રોઈ,ભૂંગળ,નાગફણી,શૃંગી-નાદ થવા લાગ્યા. 'જય મહાકાળી,જય ભવાની,જય પાવાગઢવાળી,જય દુઃખભંજની'એવા આર્તનાદની ધૂનમાં નર-નારીઓ જયઘોષણા કરવા લાગ્યાં.દર્શનસમય પૂરો થતાં મંદિરમાં શાન્તિ પથરાવા લાગી માતાજીના નોરતાના વ્રતમાં અક્કલબા ઉપવાસ રહેતાં અને માતાજીને દૂધ ધરાવી પોતે દૂધ પીતાં.એવાં નિમાધારી અક્કલબાને આજે આઠમો ઉપવાસ હતો. નોરતાની આઠમની રાતના બાર વાગ્યાનો સુમાર છે.એ વખતે આઠ દિવસનાં ઉપવાસી અક્કલબા મહાકાળીનું સ્મરણ કરતાં એકધ્યાનથી માતાજી સામે બેઠાં છે.ત્યારે માતાજીની ઝળહળતી જ્યોતની શીરા વધીને પ્રકાશમય બનવા લાગી.પૂજારીને પણ કંઇક ચમત્કાર જેવું જણાવા લાગ્યું.એ બોલ્યા કે,"આજે માતાજી પ્રસન્નતાસૂચક પ્રકાશ આપી રહ્યાં છે.''એ સાંભળી તખતસંગના મનને આનંદનો પાર રહ્યો નહિ અને ઊભા થઇ બે હાથ જોડી માતાજીના યશોગાનનું સ્તવન કરવા લાગ્યાં: અક્કલબા એકાગ્ર ચિત્તે સાંભળતાં હતાં,અને એમની દૃષ્ટિ માતાજી સામે સ્થિર થઇ અમીટ બની .એ વખતે માતાજીનું છત્ર ડોલવા લાગ્યું! ટોકરાનો ઘેરો નાદ થયો અને મહાકાળી પાસે મૂકેલું શ્રીફળ દડતું દડતું ખોળા પાસે આવતાં ખોળાનો પાલવ પસારી અક્કલબાએ શ્રીફળને ખોળામાં લઇ લીધું. પૂજારી આશ્ચર્યચકિત થઇ ગયા.તખતસંગ અને અક્કલબા પણ આશ્ચર્યમુગ્ધ બની ગયાં.એ વખતે પૂજારીએ જણાવ્યું કે,''માતાજીએ પ્રસન્ન થઇ તેમને જે શ્રીફળ આપ્યું છે એની પૂજા કરજો.ધૂપ,દીપ ધરજો.''
*ભાથીજીનો જન્મ*
જગતજનની કાળનો કોળિયો કરી જનારી ભગવતી ભવાની માતા કાલિકાની પ્રસન્નતાથી દડતાં આવેલા શ્રીફળને અક્કલબાએ પોતાના પાલવમાં ઝીલી લઇ ફાગવેલમાં આવી પ્રેમપૂર્વક શ્રીફળની પૂજા કરતા હોવાથી ભક્તિ ભાવના પ્રતાપે એક વરસ બાદ સવંત સોળસોની સાલમાં કારતક માસની સુદ એકમના પ્રભાતે અક્કલબાએ મહા તેજસ્વી શૂરા,પ્રતાપી પુત્રને જન્મ આપ્યો.
કુંવર સવામાસનો થતાં એના કપાળ-ભાલના મધ્ય ભાગમાં નાગફણીનું ચિહ્ન ઊપસી આવતા,તખતસંગજી અને અક્કલબા આશ્ચર્ય પામ્યાં.કુંવરને રમાડવા આવતી સ્ત્રીઓ કુંવરનું રૂપ,તેજસ્વી આંખો,કપાળમાં ઉપસેલી નાગ નસને જોઈ આશ્ચર્યમુગ્ધ બની જતી.તેઓ તેને દિવ્ય વિભૂતિ દેવાંશી અવતાર માનવા લાગી.
ડાયરામાં હાજર રહેલા સહુને ભાથીજી નામ પસંદ પડી ગયું,કેમ કે નાના ભાથીજી અને મોટા હાથીજી આવો નામનો સુમેળ ગમ્યો.ભાથીજી નામ નક્કી થવાથી જોષીએ સર્વને કંકુ-અક્ષતના ચાંલ્લા કરી નામ-વિધિ કરી આશીર્વાદ આપ્યા.ડાયરામાં સાકાર વહેંચાઈ.જોશીને દક્ષિણા આપી વિદાય કર્યા.
એક દિવસ ગામની ભાગોળે ગાયોના ધણમાં ઝોક પાસે રમતે ચડેલા ભાથીજી અને ભાઈબંધો બપોર થતાં થોડીવાર થાક ગાળવા એક લીમડાની શીતળ છાયામાં બેસી રમત-ગમ્મત કરી રહ્યા છે.એવા સમયમાં થોડે દૂર એક રાફડામાંથી મોટો ફણીધર નાગ બહાર આવી,ગૂંચળું થઇ,ફેણ વિકસાવી બેઠેલો બાળકોની નજરે પડયો.ભય લાગવાથી બાળકો ગભરાઈને નાસવા લાગ્યા,અને નાસતા નાસતાં ભાથીજીને બોલાવવા બૂમો પાડતા હતા.>
નાગ સામે એક નજરથી સ્થિર થયેલા ભાથીજીને કોઈ દિવ્ય દર્શન થતાં હોય તેમ મનમાં આનંદ થયો,અને બે હાથ જોડી નમન કરતા બેઠા હતા.મનમાં ગભરાટ કે ભય ન હતો.બીજાં બાળકો દૂર દૂર ઊભાં રહી ભાથીજીને મોટા અવાજે સાદ પાડતાં હતાં.
''ભાથીજી,ઓ ભાથીજી ત્યાંથી ઊઠો! આવતાં રહો !''આવી રીતે બાળકો બૂમો પાડી બોલાવતા હતાં,પણ ભાથીજી ઊઠતા નહિ.
નાગની અને ભાથીજીની દૃષ્ટિ એક થઇ હતી,પરસ્પર મીટ માંડી.પૂર્વજન્મની કોઈ પિછાન હોય અને આ મિલનથી બંનેને આનંદ થતો હોય એવો બનાવ હતો.
''નાગદેવતા ! તમારે સ્થાને જતા રહો.''એમ ભાથીજીએ શીશ નમાવી કહ્યું.નાગ પોતાની ફેણ સંકેલી રાફડામાં જતો રહ્યો.પછી ભાથીજી ત્યાંથી ઊઠીને બાળકો પાસે આવ્યા.
''ભાથીજી ! સાપ કરડે તો મરી જવાય.હવે આ લીમડા પાસે રમવા આવવું નહિ.''એમ બાળકો કહેવા લાગ્યાં.એ સાંભળી ભાથીજી ખડખડાટ હસવા લાગ્યાં.
બધાં બાળકો સાથે ભાથીજી ગામમાં આવ્યાં.પોતાના મહેલે જઈ માતા અક્કલબાને કહેવા લાગ્યાં.
''મા ! મા ! મેં આજે,એક મોટા નાગને જોયો !''
''નાગ ! ક્યાં જોયો ?''અક્કલબાએ ભયથી ઉચ્ચાર કર્યો.
''ભાગોળે લીમડાની છાયામાં બેસી અમે રમતા હતાં એ વખતે થોડે દૂર એક દરમાંથી મોટી ફેણ ચડાવી ફૂંફાડા મારતો ડોલવા લાગ્યો.''ભાથીએ કહ્યું.
''પછી શું બન્યું બેટા !'' અક્કલબાએ જિજ્ઞાસાથી પૂછ્યું.
''નાગને જોતાં જ ભાઇબંદો ભયભીત થઇ ચીસ નાખી ભાગ્યા ! દૂર ઊભા રહી મને નાસી જવાની બૂમો પાડવા લાગ્યા.પાસે બોલાવવા સાદ પાડવા લાગ્યા.પણ નાગને જોવામાં મને મજા આવી.નાગની સામે જોતો હું તો બેઠો જ રહ્યો.''ભાથીજીએ સ્વાભાવિકપણે વાત કરી.
''બેટા ! પછી શું બન્યું ?''અક્કલબાએ પૂછ્યું.
''મેં માથું નમાવી નમન કર્યું.'તમારે સ્થાને જતા રહો નાગદેવતા !'એમ ઉચ્ચારતાં તરત તે ફેણ સંકેલી પોતાના દરમાં ચાલ્યા ગયા.''ભાથીજીએ વિગતથી વાત કરી.
''બેટા,હવે એ તરફ રમવા જતો નહિ.એ નાગ તો ઝેરી હોય,ખિજાય તો કરડે અને ઝેર ચડે.''અક્કલબાએ ભયથી જણાવ્યું.
''મા ! એ નાગ દૂધ પીએ !''
''બેટા,એ દૂધ પીએ પણ એ દૂધ ઝેરી બની જાય છે.''
''મા ! સાપ અને નાગમાં શો ફેર ?''
''બેટા ! એ જુદા જુદા નામે ઓળખાય છે એ નવકુળ નાગનો વંશ ગણાય છે.
નાગ,સાપ,ઘોઘે, ચારમાળિયો કાળોતરો,પરડિયો,મરડિયો,ફણીધર,મણિધર,મણઝર,કોડિયો,ડેંડો,ભોરિંગ એવા ઘણાં નામ હોય છે.''
''મા નાગને જોવામાં મને ખૂબ મજા આવી હતી.હવે રોજ એને દૂધ પાવા જઈશ.''ભાથીજીએ માતાને કહ્યું.
બીજે દિવસે સવારમાં પોતાની ગાયો દોહવા ગોવાળ આવ્યો.ભાથીજીએ દૂધની લોટી ભરી લીધી અને પોતે દૂધ પીધું નહિ.કટોરો લેવા ગયા અને માતાને જણાવ્યું કે,''નાગને દૂધ પાઈને પછી હું ત્યાંથી આવીને દૂધ પીવાનો છું,એ સિવાય દૂધ પીશ નહિ.''
ભાથીજીના નિશ્ચયથી અક્કલબા અને તખતસંગજી મૂંઝાયા.વિચાર કરવા લાગ્યા કે,'આ બાળહઠને ખાળવી શી રીતે ? કુંવરને સમજાવવા કઈ રીતે ?'
દૂધની લોટી અને કટોરો લઇ તૈયાર થયેલા ભાથીજીને રોક્યા.એ વખતથી ભાથીજીએ દૂધ પીવાનું છોડી દીધું.
ભાથીજીના અડગ નિશ્ચય અને ટેકને વશ થઇ માતા-પિતાએ ત્રણ દિવસ એમને સમજાવ્યા છતાં સમજ્યા નહિ.એટલે ચોથે દિવસે ભાથીજી સાથે હાથીજીને મોકલ્યા અને ભાથીજીએ નાગના રાફડે દૂધ-કટોરો મૂકતાં નાગ બહાર આવ્યો અને દૂધ પી ફેણ નમાવી રાફડામાં ચાલ્યો ગયો.ત્યારથી રોજ ભાથીજી આવીને નાગને દૂધ પાતા અને પોતે ઘેર આવીને દૂધ પીતા.
રોજ સવારના પહોરમાં દૂધ લઇ ભાથીજી નાગને પાવા જતા અને ઘેર આવીને પોતે દૂધ પીતા.આવા રોજના નિયમથી કોઈક દિવસ થોડું મોડું થઇ જાય તો,રાફડામાંથી પોતાનું મોઢું બહાર રાખી ભાથીજીની વાટ જોતો નાગ બેસી રહેતો,એવો પરસ્પર પ્રેમ હતો.ભાથીજીને થતું કે,'નાગદેવતા દૂધની રાહ જોઈને બેઠા હશે અને ક્યારે વહેલો પહોંચી જાઉં....અને નાગના દર્શન કરું.'
નાગ-નોળિયાનું યુદ્ધ
એક નાગ પોતાના બચાવ માટે ફેણ વિકસાવી ફૂતકાર કરી જોરથી ફૂંફાડા મારી રહ્યો છે.તે જીવનમરણ સ્થિતિમાં હતો.થોડે દૂર એક નોળિયો નાગની ગરદન પકડવા લાગ શોધતો ટાંપીને બેઠેલો હતો.
આ દૃશ્ય જોઈ ભાથીજીએ ઘોડાને થોભાવ્યો અને આશ્ચર્યચકિત થઇ એક ધ્યાનથી જોવા લાગ્યા.
થોડીવારે નાગ અને નોળિયો યુદ્ધે ચડયા ! નોળિયો નાગને ગળેથી પકડવા છલાંગ મારી સામે આવતો,નાગ એની સામે ઉછળી ફેણની ઝાપટ મારી દૂર ફેંકી દેતો,અને નોળિયો જમીન પર પછડાતાં ઘડીભર સ્થિર થઇ પાછો નાગ પર ત્રાટકવા તૈયાર થતો.
નાગ પર આવા ભયંકર આક્રમણ કરતા નોળિયાને જોઈ ભાથીજીનું હૃદય કંપી ગયું,અને એમને લાગ્યું કે નોળિયો નાગને મારી નાખશે.આ બન્નેને છૂટાં કેમ પાડવાં એવું વિચારી રહ્યા હતા.એ સમયમાં એમણે છેવટે નિશ્ચય કર્યો કે 'નોળિયાને તીરથી વીંધી,મારીને ઠેકાણે પાડવો એ સિવાય નાગને છોડશે નહિ.'
એમ લાગવાથી ભાથીજીએ ખભેથી કામઠી લઇ જમણા ખભે રાખેલ ભાથામાંથી તીર લઇ કામઠીએ ચડાવ્યું.
નાગ સાથે ટક્કર લેતો નોળિયો છલંગ મારી કૂદીને નાગની ગરદન પકડવા પીઠ પર પડતાં ભાથીજીએ તીર છોડ્યું અને નોળિયો નિશાન બની ગયો.
સનસનાટ કરતા આવેલા તીરે નોળિયાને વીંધી નાખ્યો અને તીર સાથે વીંધાઇને નોળિયો દૂર ફેંકાઈ ગયો.
નોળિયાના આક્રમણની પકડમાંથી નાગ બચ્યો,અને ભાથીજી સામે મીટ માંડીને જોયું.થોડીવાર બન્નેની નજર એક થઇ અને એકબીજાને પૂર્વની પિછાન હોય તેવું લાગ્યું.
''નાગદેવ ! તમારે સ્થાને જાવ.''ભાથીજીએ નમન કરતાં ઉચ્ચાર્યું અને નાગ ફેણ સંકેલી પોતાના રાફડામાં ચાલ્યો ગયો.
ભાથીજીનો સૌરાષ્ટ્રનો પ્રવાસ
ભૂજના ડુંગરની તળેટીમાં વિશ્રાન્તિ લેવા બારોટ તથા ભાથીજી બેઠા. બારોટે ભોરિંગની સ્તુતિ,બિરદાવલી લલકારી.એ વખતે ડુંગર ઉપરથી એક જટાધારી યોગી ધીમા પગલે ઊતરી આવ્યા,અને બારોટને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો. યોગીએ ભાથીજીને જોઈને જણાવ્યું કે,''મહાકાલીની કોટમાં અલંકાર બનીને રહેલા ઉરમ (નાગ)ના સેવક તરીકે જીવનપર્યંત રહે,એમ ધારીને અક્કલબા પર પ્રસન્ન થઇ મહાકાળીએ શ્રીફળ દાનમાં આપેલું છે.એ દાનનું ફળ આ ભાથીજી છે.''આટલું કહી યોગી ત્યાંથી ચાલ્યા ગયા.
લસુંદ્રામાં ભાથીજીનો પરચો
ચૌહાણ શાખાના ક્ષત્રિય-રાજપૂત ચિખડોલ ગામના ગિરાસદાર હતા.રાજા અને રાણી બહુચરાજી માતાના ભક્ત હતાં.ચૈત્રી પૂનમે માતાજીને ધજા,આંગી,પલ્લી,ચૂંદડી ધરાવવા શંખલપુરમાં બિરાજતાં માતાજીના પારે આવતાં હતાં.એમને એક પુત્રી હતી,એનું નામે અક્ક્લબ હતું.
પોતાને ત્યાં માતાજીનું સ્થાનક હોવાથી સવાર-સાંજ ધૂપ-દીપ વખતે માતાજીને પ્રાર્થના કરી રાણી કહેતાં હતાં કે,'હે મા ચર,અચર,સચરાચર,બહુચર મહાદેવી મારા પર પ્રસન્ન થાઓ.મને એક દીકરો આપી મારા મનોરથ પૂરો'રાણીની પ્રાર્થના સાંભળી એમને એક દીકરો આપ્યો.
દીકરો દેવીએ દીધેલો છે,એમ સમજીને કુંવરનું નામ દેવીસંગજી રાખ્યું.કુંવર ને કુંવરી પુખ્ત વયનાં થતાં રાજા-રાણીએ એમના લગ્ન કર્યાં.અક્કલબાને ફાગવેલના રાજા તખતસંગ રાઠોડ સાથે પરણાવ્યાં.દેવીસંગજીને સાંઢોલી ગામે હરિસિંહની પુત્રી સાથે પરણાવ્યાં.
દેવીસંગજીનાં માતાપિતા વયોવૃદ્ધ થઇ ગુજરી જવાથી ચિખડોલ ગામ અને અન્ય ગામ-ગરાસ તેમને હસ્તક આવ્યો હતો.રાજપૂત ઠાકોરોમાં એમનો માન-મરતબો-મોભો પ્રશંસાપાત્ર હતો.
ચૈત્ર સુદ નોમ (રામનવમી)નો પવિત્ર તહેવાર હોવાથી દેવીસંગજીએ શ્રી રામજયંતી પર્વ ઊજવ્યું અને ચૈત્રી પૂનમે શંખલપુર જવાનું હોવાથી એક ઘોડેસવારને ફાગવેલ મોકલી પોતાના ભાણેજ હાથીજી અને ભાથીજીને તેડાવ્યા.
દેવીસંગજી,રાણી,હાથીજી,ભાથીજી અને અન્ય ભાવિક ભક્તો સાથે દેવીસંગજી શંખલપુર આવ્યા,અને પોતાનાં માતા-પિતા જે પ્રમાણે પૂજા-વિધિ ભેટ ધરતા,એ પ્રમાણે કરી દર વરસના નિમાધારી પ્રમાણે ઓચ્છવ કર્યો.
માતાજીની આરતી સમયે નિમાધારી પૂનમિયાની ભીડ જામી હતી.ઝાલર,ટોકરા,નગારું,ત્રોઈ,ભૂંગળ,શંખ વાગવા લાગ્યાં.
આવી જય ઘોષણાઓથી દિશાઓ ગૂંજી ઊઠી.બીજે દિવસે દેવીસંગજીનો સંઘ ચિખડોલ ગામે આવી ગયો.
હાથીજી આનંદપૂર્વક ચાર દિવસ રોકાઈને હાથીજીનું સાસરું લસુંદ્રા ગામે હોવાથી તે તરફ પોતાનો ઘોડો હંકારી ગયા.
લસુંદ્રામાં ગામ પાસે ટાઢા-ઊના પાણીના કુંડ પાસે પહોંચતા દૂર રોતાં-કકળતાં માણસોના ટોળાને દીઠું અને તેઓ ત્યાં ગયા.એક મૃત્યુ પામેલા યુવાનના શબ ફરતાં માણસો બેઠા હતા.યુવાનનાં માતા-પિતા અને સ્ત્રી હૈયાફાટ રુદન કરતાં હતાં.
હાથીજી અને ભાથીજી નીચે ઊતર્યા,અને વાત સાંભળી કે મૃત્યુ પામેલા યુવાન કેસૂડા લઇ આજુબાજુના ગામમાં વેચી આવતો અને ઘરખર્ચ માંડ માંડ પૂરું કરતો.આ એના કુટુંબના નિભાવ માટેનો વ્યવસાય હતો.
એ ભીલ યુવાન કેસૂડા તોડી એકઠા કરતો હતો,એમાં એક ખાખરાના ઝાડના થડ-મૂળ પાસે પગ મૂકતાં રાફડામાંથી ફુંફાડા મારતો સાપ બહાર આવ્યો અને યુવાનના પગે દંશ દીધો.યુવાન ધ્રૂજી ગયો.ચીસ નાખી.ભયભીત થઇ પોતાની ઝૂંપડી પાસે આવતાં તેના શરીરમાં ઝેર વ્યાપી ગયું,અને ચક્કર ખાઈ ઢળી પડયો.
આ દૃશ્ય જોઈ આજુબાજુનાં ઝૂંપડાંમાંથી માણસો દોડી આવ્યા.યુવાને તોતળાતી જીભે ઉચ્ચાર્યું કે,''મને સાપ કરડયો છે.''આટલું બોલતાં એ મૃત્યુ પામ્યો હતો.
યુવાનનાં માતા-પિતા,સ્ત્રી અને એનાં બે નાનાં બાળકોનાં રુદનથી બધાં ગમગીન થઇ ગયા.જેને પોતે રમાડતા એ નાગ યાદ આવતાં અદ્દભુત ચમત્કાર જેવો બનાવ બન્યો.
ભાથીજીનાં અંગમાં ઝણઝણી થઇ અને સર્પદંશવાળા ઠેકાણે પોતે હાથ મૂકતાં,લસુંદ્રાના ઠંડા-ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ભીંજાતા લૂગડે એક માણસ દોડતો આવી સાપ પેઠે પેટ વરણીયા થઇ જઈ 'ભાથી ક્ષત્રિય'ઉચ્ચારીને એ દંશના સ્થાને પોતાના મોઢેથી ચૂસીને ઝેર લોહીના કોગળા ભરી બહાર કાઢવા લાગ્યો,અને શરીર ધ્રુજાવતાં બોલ્યો કે,''હું ચર છું,અચરેય છું.મારું નામ ચરમાળિયો .હું નવકુળ નાગનો વંશજ છું.ભાથી ક્ષત્રિયનું નામ અને ચરમાળિયાનું સ્થાપન કરી પૂજા કરજો.''આટલું કહી એ માણસ દોડતો ચાલ્યો ગયો.ભીલ યુવાનને જીવતદાન મળ્યું.સર્વે ભાથી ક્ષત્રિય મહારાજની જયઘોષણા કરી આનંદથી ઘેર આવ્યાં.
લસુંદ્રાના બનાવથી ભાથીજીના પરચા-પ્રતાપની વાત ચોમેર ફેલાઈ,વાત સાંભળનારા આશ્ચર્યચકિત બની જતા અને નવાઈ પામતા.
ભાથીજીએ નિશ્ચય કર્યો કે,સવારમાં વહેલા ઊઠી ઘોડેસવાર થઇ ગામ અને મુંવાડા તથા જ્યાં ગાયોના ધણ હોય તે તરફ જઈ ગ્રામ્યજનો તથા ગોવાળો સાથે બેસી વાર્તાવિનોદ કરવો.કોઈ જન સાવ ગરીબ હાલતમાં હોય,એને અન્ન-વસ્ત્રો પહોચાડવાં.
દરબારમાં રોજ ડાયરો ભરાય,આનંદની વાત થાય.એમાં ઘડીવાર બેસતા અક્કલબા ભાથીજીને કહેતાં,પણ એ જવાબ આપતાં કે,''નાગપૂજા,ગૌસેવા,ગરીબનાં દુઃખ જાણવા જંગલમાં ફરવું એ મને ગમે છે.મને મારું કાર્ય કરવા દો,અને ઠેકાણે ઠેકાણે ફરવા દો''માતાને આટલું કહેતા.
ભરવાડ ગોગો અને ભાથીજી
એક સાપે ઉંદરને પકડી લીધો અને ગળી ગયો ! ખોરાકને છિન્ન-ભિન્ન કરી પચાવવા પોતાના અંગને ભરડો લે અને જોર કરે તો જ એને શાન્તિ મળે.પણ એને ભરડો લેવાનું યોગ્ય ઝાડ મળ્યું નહિ હોવાથી આકુળ-વ્યાકુળ બન્યો હતો. સાપની નજર પીલુડીના વૃક્ષ તરફ ગઈ અને એક માણસને સૂતેલો દીઠો.માણસ હતો ગોગો ભરવાડ.એ નિંદ્રાધીન હતો.એનો પગ ઢીંચણથી વળેલો ઊભો હોવાથી સાપને ભરડો લેવાનું સાધન મળી ગયું એમ સમજીને તે ત્યાં દોડતો આવ્યો. સાપ ગોગાના ઊભા પગે વીંટાળાયો અને ભરડો લઇ જોર કરવા લાગ્યો.પોતાના પગને જકડેલો જાણી ગોગો જાગી ગયો અને પગે સાપ વીંટળાયો છે,એ દેખતાં હબકી ગયો અને મૂર્છિત થઇ ગયો. આજુબાજુમાં ગાયો,ભેંસો,ઊંટ ચારતા ભરવાડોને જાણ થતાં તરત ત્યાં દોડી આવ્યાં,અને ભયાનક દૃશ્ય જોતાં એમનાં કાળજાં થડકી ગયાં. ગોગાના પગને સાપ છોડે એવો કોઈ ઉપાય એમને શોધ્યો જડતો નથી અને સહુ મૂંઝવણમાં પડી ગયા છે. થોડે દૂર ઘેટા,બકરાં,ગાડરના મોટા ટોળાને સાચવતો એક ભરવાડ લાકડીને ટેકો દઈ ઊભો હતો.ત્યાં ઝડપભેર ઘોડો દોડાવતો ભાથીજીને જતાં જોઈ એણે ભાથીજીને સાદ પાડી બોલાવ્યા અને ગોગાની મુસીબતની વાત કરી. વાત સાંભળતાં ભાથીજી મારતે ઘોડે ત્યાં પહોંચ્યા અને ભરવાડોએ એમનું ધ્યાન દોરી ગોગાની સ્થિતિ બતાવી. આ ભયંકર દૃશ્ય જોઈ ભાથીજી ઘોડેથી નીચે ઊતર્યા અને વૃક્ષ પાસે જતાં એમણે સાપ સામે દૃષ્ટિ કરી.સાપની દૃષ્ટિ પણ ભાથીજીની દૃષ્ટિમાં ભળી.ઓતપ્રોત દૃષ્ટિની એકાગ્રતા થતાં ભાથીજીએ નમન કરી ઉચ્ચાર્યું કે,''પધારો,નાગદેવતા તમારા સ્થાને જાવ.''આ ઉચ્ચારને સાંભળતા સાપ પોતાના અંગનો વળ ઉખેડી પગ છોડી ભાથીજી સામે ફેણ પસારી નમન કરતો હોય તેમ ફેણ હલાવી ત્યાંથી ચાલ્યો ગયો. ભરવાડ ને સહુ આનંદમાં આવી ગયા ને દોડીને ગોગાને વીંટળાઈ વળ્યા.ભાથીજીએ એક ભરવાડની બતક લઇ પાણીની ધાર કરી ગોગાના પગને ભીંજવ્યો અને ચંબૂ ભરી ગોગાના મોઢે પાણી છાટતાં ગોગો મૂર્છામાંથી જાગૃત થયો. ભરવાડ આનંદમાં ઉચ્ચારવા લાગ્યા : 'જે ભાથીજી મહારાજ.' ભાથીજીની જયઘોષણાથી વગડો ગાજી રહ્યો. ગોગો ઊઠીને ભાથીજીના પગમાં પડયો.
સાપ અને શેળાનો જંગ
પોતાના નિત્ય કાર્યક્રમ મુજબ ભાથીજી પ્રવાસ કરે છે.એ વખતે સાવલી ગામ નજીક એક નાની તલાવડી પાસે ગાયો ચારી રહેલા ગોવાળોએ એક ભંયકર દૃશ્ય જોયું અને ત્યાં દોડતાં ગયા અને દૂર ઊભા રહી જોવા લાગ્યા. મોટા સાપની પૂંછડી પકડી એક શેળાએ પોતાનું અંગ ફુલાવી કાંટા જેવી રૂંવાડી ઊભી કરી ગોળ દડો બની ગયો હતો. શેળાથી છૂટવા સાપ પોતાની ફેણને શેળાના અંગ પર ઝાપટતો અને કાંટા ભોકવાથી ફેણ લોહી-લુહાણ બની હતી,છતાં એ છૂટવા પ્રયત્ન કરતો હતો. આ ભંયકર દૃશ્ય નિહાળી ગોવાળોને કંપારી છૂટતી અને સાપ પર દયા આવતી,પણ એમને વિખૂટા પાડવા યુક્તિ સૂઝતી નહિ. સવારથી શેળાના સકંજામાં સપડાયેલ સાપ ઘાયલ સ્થિતિમાં હોવાથી તરવરાટ,સળવળાટ અને જોર ગુમાવી પડયો રહ્યો હતો. બે ઘોડેસવાર ઠાકોર ઘોડાને પાણી પાવા તલાવડીએ આવ્યા.એમણે આ કરુણાજનક દૃશ્ય જોયું અને વાટે પડયા. એ ઠાકોરોને ભાથીજીનો ભેટો થઇ ગયો અને નમન કરી ખબર આપી કે,''સાવલીની તલાવડી પાસે એક સાપ અને શેળો જંગ ખેલે છે.સાપ ઘાયલ થયેલી હાલતમાં અમે દીઠો.' આ વાત સાંભળતાં ભાથીજીએ ઝડપભેર ઘોડાને હંકાર્યો.વેગવંતો ઘોડો જોત જોતામાં ત્યાં આવી પહોંચ્યો,અને છલાંગ મારી ઘોડેથી નીચે ઊતરી કામઠી પર તીર ચડાવી છોડયું. સનસનાટી કરતા તીરે શેળાને વીંધી નાખ્યો.શેળાનું મુખ ખૂલી જતાં સાપ મુક્ત થયો,અને શક્તિહીન હોવાથી શાંત પડયો રહ્યો હતો.ભાથીજી અને ગોવાળો નજીક ગયા.પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય એવી સાપની સ્થિતિ જણાઈ. ભાથીજીએ સાપની સલામતીનું સ્થળ શોધી,તલાવડી સામેની એક ટેકરી પાસે બે મોટી પથ્થરની શિલાઓ વચ્ચે તિરાડ જોઈ,અને સાપને નમન કરી પોતાના ભેટ-બંધણામાં લઇ લીધો અને એ સ્થળે મૂકી દીધો.એ વખતે બધા ગોવાળો સાથે હોવાથી સાપને પગે લાગ્યા,અને સાપે પણ પોતાની ફેણ વિકસાવી,ડોલીને નમી પડયો.
નાગના વહીવંચા બારોટ
બારોટ તખતસંગજીના દરબારમાં આવી પહોંચ્યા,અને પોતાની 'નાગમગા બારોટ'તરીકે ઓળખ આપતાં સહુએ એમનો સન્માન-સત્કાર કરી આનંદ વ્યક્ત કર્યો.બારોટજી આવ્યાની અને એ નાગ સિવાય કોઈને માગે નહિ,એવી ગામમાં વાત વહેતી થઇ હતી.ગામનાં સ્ત્રી-પુરુષો બારોટજીને જોવા આવવાં લાગ્યાં. બારોટજી નાગદેવતાના નવકુળના દશાંદી છે,નાગના વહીવંચા છે,નાગ સિવાય કોઈ વ્યક્તિ પાસે લાંબો હાથ કરી માગતા નથી,એ વાત સાંભળી ભાથીજી ખૂબ આનંદિત થયા. કચ્છમાં ભૂજ પાસે ભુજિયા ભોરિંગ નામે નાગદેવતાનું સ્થાન છે.એ ભોરિંગના સ્થાને જઈ હરધોળ બારોટે બિરદાવલી અને છંદ લલકારી નાગદેવને પ્રસન્ન કરી પોતાના જીવનનિર્વાહ માટે યાચના કરતા અને એમને ધનસંપત્તિ મળી રહેતી.નાગદેવતા દર્શન પણ આવતાં હતાં. કણ્વ,અંગિરા,બૃહસ્પતિ,ઓતિથ્ય અને ગાલવ નામના પાંચ ઋષિએ જે સ્થળે તપ કર્યું હતું;એ ભૂમિંનું નામ 'પંચાલય' પંચાળ નામ પડયું હતું. એ પંચાળ ભૂમિમાં દ્રૌપદનું રાજ હતું.દ્રૌપદની પુત્રી દ્રૌપદી એથી પંચાળી કહેવાતી. એ ભૂમિમાં થાન નામના ગામના દરવાજે વાસંગી-વાસુકી નામના નાગદેવની મોટી જગ્યા છે.એ ચરમાળિયા પણ કહેવાય છે.ત્યાં પણ બિરદાવવા અમારે જવું પડે છે.'એમ બારોટજીએ જણાવ્યું અને વાત આગળ ચલાવી કે 'પંચાળ ભૂમિમાં..... ઠાગો,બતંગો અને કાળેરા નામના ડુંગરની હારમાળાથી થોડે દૂર 'બાંડીયા બેલી'નામના નામદેવતાનું સ્થાન છે. જયારે ભોરિયો ગારુડી ભુજિયા ભોરિંગને પકડવા આવ્યો ત્યારે એ નાગ ભૂજના ડુંગરમાંથી સ્થાન બદલીને પંચાળમાં આવી 'બાંડિયા બેલી'નામથી પ્રસિદ્ધ થયેલ છે. બાંડિયા બેલી ચમત્કારી છે,માગ્યા વરદાન આપે છે,મન-ધાર્યા કામ કરે છે કોઈને સર્પદંશ થાય તો ગળામાં સૂતરના દોરાની ફાળકી નાખી બાધા રાખે છે અને ઝેરથી બચી જાય છે. વાંઝિયાને બાળક આપે છે અને માણસના મનોરથ પૂરા કરે છે એ નાગદેવની બાધા,આખડી,માનતા કરવા શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને તલવટ,શ્રીફળ,સાકર,દૂધ,ખીર,નાનાં ઘોડિયાં,ફાળકી,ધૂપ,દીપ ધરાવે છે. પંચાળ ભૂમિ એ દેવકો પંચાળ નામથી જાહેર છે.જ્યાં નાગદેવના અને રાફડાના સ્થાન છે.એમાં મોટું સ્થાન થાનગઢ નામના ગામના દરવાજા પાસે છે,એ સ્થાને રૂપાનું મોટું પાત્ર છે.એમાં દૂધ રેડવામાં આવે છે અને વાસુકી 'વાસંગી'નામના નાગદેવતા દૂધ પીવા આવે છે. ''બારોટજી આજે તો તમે અમને નાગદેવનું જગત બતાવ્યું.અમારા ભાથીજી પણ નાગદેવના સેવક છે,પૂરા આસ્તિક છે.''માનસંગ દાદાએ કહ્યું. ''ઠાકોર,મેં ઘણે સ્થળે ભાથીજીની પ્રશંસા સાંભળી હતી,તેથી જ અહીં આવ્યો છું.ભાથીજી નાગદેવના વરદાની છે.એમના ભાલમાં કપાળમાં નાગદેવનું રેખા-ચિહન છે.એ જોઈને હું ભાથીજીને દર્શન-મૂર્તિ ગણું છું.''બારોટજીએ ઉચ્ચાર્યું . મોડી રાત્રે સભા વિસર્જન થઇ.બારોટજીની ગામના ઠાકોરોએ સન્માન-સત્કારથી પોતાની ડેલીએ ડાયરા ભરી ખૂબ માનપાનથી મહેમાનગતિ કરી. બારોટજી ચાર દિવસ ફાગવેલમાં રોકાયા અને પોતાના વતન કચ્છમાં જવા તૈયાર થયા.